Blog

Students

November 25, 2021

” સોશિયલ મીડિયાનો વધતો પ્રયોગ સમાજ માટે ઉપકારક કે અપકારક “

સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા,
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત્.

અર્થાત બધા જ સુખી, થાઓ બધા જ રોગમુક્ત રહે બધાનું જીવન મંગળમય બને અને કોઈ દુઃખનું ભાગીદાર ન થાય.
આ સંસ્કાર અને જ્ઞાન આપનાર શાસ્ત્ર જે આપણીસંસ્કૃતિની ધરોહર છે તેની સામે શું આજનું સોશિયલ મીડિયા ઉપકારક હોય શકે ? સમાજ માટે તેનો વધતો વ્યાપ વધતો પ્રયોગ શું ફાયદાકારક હોય ?

જો આ જવાબ પૂછવામાં આવે ને તો મારું અંગત અને સાંસ્કૃતિક જ્ઞાન આધારિત મંતવ્ય દ્રઢપણે છે. ના, આજના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાનો વધતો જતો પ્રયોગ ઉપકારક નહિ પણ અપકારક બનશે અને ભવિષ્યની પ્રજાને નિરાશાની ગર્તામાં ધકેલી માનસિક રોગોના શિકાર બનાવી માનસિક વિકલાંગ બનાવશે.આજના સમયમાં સોશિયલ મીડિયા એ પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સમાંતરમાં સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોત તો એક સારું પગથિયું બની રહેત પરંતુ હાલમાં ચાલતા સોશિયલ મીડિયાનાં ઉપયોગથી જોતા એ સમાજ માટે પગથિયાં રૂપ સીડી નહિ પરંતુ ખીણ સાબિત થશે એમ લાગે છે.

દવે આશુતોષ અક્ષયભાઈ
ધોરણ:- ૧૧ કોમર્સ-એ

Teachers

February 12, 2022

“શિક્ષકો માટે સફળતા સૂત્ર”

S=3D+3C+3Q

S એટલે success in teaching life. શિક્ષણ કાર્યમાં સફળતા.

તેમાં 3D ની જરૂર છે.તે આ પ્રમાણે છે.

Dignity , Dedication And Devotion.

Dignity

        એટલે પોતાના મહાન કાર્ય પ્રત્યેની સભાનતાથી ઉદ્દભવેલ આત્મસન્માન અને ગૌરવની લાગણી. હું શિક્ષક છું અને વિદ્યાર્થીઓમાં રહેલી દિવ્યતાને જાગૃત કરવાની મહાન જવાબદારી ઈશ્વરે મને સોંપી છે. આ કર્તવ્ય બોધ જ શિક્ષકને આત્મગૌરવ બક્ષે છે. રાષ્ટ્રના ઉજ્વળ ભાવિનો આધાર શિક્ષક પર રહેલો છે. કેમકે તેના કર્તવ્ય કાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનને તે ધારે તેવો વળાંક આપી શકે છે. આથી શિક્ષક કોઈ ધંધાદારી વ્યક્તિ નથી, પણ તે તો રાષ્ટ્રનો નિર્માતા છે.

Dedication એટલે કે સમર્પણ.

        પોતાના કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ જો આ સમર્પણ ભાવના હશે તો જ કર્તવ્ય નિષ્ઠા આવશે અને તો જ શિક્ષકને પોતાના મહાન કાર્યોની પ્રતીતિ થશે. ચાણક્ય એક સામાન્ય શિક્ષક જ હતા એમણે એક સૂત્ર આપ્યું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર વિકાસ ઉસકી ગોદ મે પલતે હૈ. શિક્ષક ધારે તે કરી શકે છે. માત્ર જરૂર છે નિષ્ઠાની, સમર્પિત ભાવનાની,વિદ્યાર્થીઓ પ્રત્યે ના પ્રેમ ભાવનાની.

Devotion એટલે ભક્તિ.

        ભક્તિ એટલે પોતાના કર્તવ્ય પ્રત્યેનો લગાવ. પોતાના વિદ્યાર્થી ઓ પ્રત્યેનો પ્રેમ જેમ પ્રભુની ભક્તિ કરવામાં સમય આવી જતા પ્રભુ પ્રત્યે જાગૃત થાય છે એમ ભણાવતા ભણાવતા શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે એકરૂપ બની જાય તો શિક્ષકમાં રહેલું જ્ઞાન વિદ્યાર્થીઓના ચિત્તમાં આપોઆપ સંક્રમિત થાય છે શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ આનંદ આવે છે શિક્ષકો પોતાની સામે બેઠેલા વિદ્યાર્થીઓને માત્ર વિદ્યાર્થીઓ તરીકે જોવાના નથી. શિક્ષકોએ પણ પોતાની અંદર રહેલી ઉત્તમ શક્તિને વર્ગમાં પ્રગટ કરવી જોઈએ. આ રીતે જ શિક્ષણ કાર્ય કરે તો પ્રત્યેક શાળાએ મંદિર બની જાય પ્રત્યેક શિક્ષકો પૂજારી બની જાય અને પ્રત્યેક વિદ્યાર્થીઓ દેવી-દેવતાઓ બની જાય.

                                                                                                                                                                                                  -ચેતનાબેન પટેલ

“Be a dreamer”

સ્વપ્નવેત્તા બનો અને ઊંચા લક્ષ્યાંકો રાખો. અંગ્રેજીમાં કહેવત છે કે, Not failure but low aim is a crime.

            નિષ્ફળ જવું એ ગર્વની બાબત છે કારણ કે તમે પ્રયત્નશીલ છો. સ્વપ્નોને સાકાર કરવા માટે નિષ્ફળ થવું એ પહેલી શરત છે. તેને સકારાત્મક લઇ સફળતાની કેડીએ આગળ ધપવું એ જ યૌવનનો તરવરાટ અને થનગનાટ. સ્વપ્ન હશે તો દિશા હશે અને દિશા હશે તો લક્ષ્ય.

            ચાલો સતત નવસર્જન, નવા સ્વપ્નો, દિશા અને જ્ઞાનના પરિમાણોનું વિચાર વલોણું ફેરવતા રહીએ. Discipline, Attitude, Aptitude, Etiquette માં અડીખમ અને અગ્રિમ રહેવાના પ્રયત્નો કરીએ.

            योग: कर्मषु कौशलम् । આ શબ્દોને ગંભીરતાથી સમજીને જીવનશૈલીમાં વણીને જીવીએ અંતે સમાજના યુવામિત્રોને આટલું જ કહું કે,

            Small things make perfection, but perfection is not a small thing.

– હેમાલીબેન શાહ

October 1, 2019

બાળકોની મનોદશાનું પૃથક્કરણ

બાળકોની માનસિક જરૂરિયાત શિક્ષકોએ તેમજ વડીલોએ નાનપણમાં સંતોષવી જોઈએ. જો તે સંતોષી શકાય નહિ તો તેનામાં વિકૃતિ અથવા માનસિક રોગો લાગુ પડી શકે. વડીલો એ બાળકની માનસિક જરૂરિયાતની અગત્યતા સમજવી જોઈએ.

બાળકની મુખ્ય જરૂરિયાત પ્રેમ, મૈત્રી, સાહસ, પ્રોત્સાહન, સલામતી છે. બાળકને પ્રેમથી કોઈપણ કાર્ય સમજાવાય તો તે ઉત્સાહથી કરે છે. અતિશય પ્રેમ આપવો પણ નકામો છે. કેટલીક વખત તે સમાજ વિરોધી કાર્ય જેવા કે ચોરી કરવી, જૂઠું બોલવું એવી ભૂલો કરે છે. બાળકને જ્યારે નવું નવું જાણવાનું અને જોવાનું કુતૂહલ થાય ત્યારે તે વડીલોનો અને શિક્ષકોનો સહારો લે છે. જો તેમના તરફથી મૈત્રીરૂપ સાઠ સહકાર મળી જાય તો તેનામાં રહેલું એકલતાપણું દૂર થાય છે. જેથી બાળકમાં શરમાળપણું, સ્વાર્થવૃત્તિ દૂર થાય, વિચાર શક્તિ વધે, મૈત્રીની ભાવના ખીલે અને ચારિત્ર્ય ઘડતર થાય.

આમ બાળકને પ્રેમ અને મૈત્રી તેના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

– સોનલબેન પટેલ.